કામપ્રજાળણ નાચ કરે - kam prajalan naach kare - kag bapu

અદભુત... દુલા ભાયા કાગ લિખિત "કામ પ્રજાલણ નાચ કરે" નામની રચના......

કામપ્રજાળણ નાચ કરે - kam prajalan naach kare - kag bapu

એક દિવસ આનંદ ધર, હર હરદમ હરખાય;
કરન નાચ તાંડવ કજુ, બહુ બિધી કેફ બનાય.
ઘટ હદ બિજ્યા ઘૂંટી કે, આરોગે અવિનાશ;
લહર કેફ અનહદ લગી,પૂરણ નૃત્ય પ્રકાશ.
લિય સમાજ સબ સંગમે, ત્રયલોચન તતકાળ;
કાળરૂપ ભૈરવ કઠિન, દિયે તાળ વિકરાળ.
ઘોરરૂપ ઘટઘટ ભ્રમણ, ઊતયા-રમણ અકાલ;
કારણ જીવકો આક્રમણ, દમન-દૈત દ્દગ-ભાલ.
લખ ભૈરવ ગણ સંગ લિય, ડાકિની સાકિની ડાર;
જબર જુથ્થ સંગ જોગણી, ભૂત પ્રેત ભેંકાર.
(છંદ-દુમિલા)
પરમેશ્વર મોદ ધરી પશુપાળણ, કામપ્રજાળણ નાચ કરે-
જીય કામપ્રજાળણ નાચ કરે.

ભભકે ગણ ભૂત ભયંકર ભૂતળ,નાથ અધંખર તે નખતે,
ભણકે તળ અંબર બાધાય ભંખર ગાજત જંગર પાંહ ગતે;
ડમરૂય ડડંકર બાહ જટંકર,શંકર તે કઈલાસ સરે,
પરમેશ્વર મોદ ધરી પશુપાળણ, કામપ્રજાળણ નાચ કરે-
જીય કામપ્રજાળણ નાચ કરે.(૧)

હંડડં ખડડં બ્રહ્માંડ હલે, દડડં દડદા કર ડાક બજે,
જળળમ્ દ્દગ જ્વાલ કરાલ જરે,સચરં થડડં ગણ સાજ સજે;
કડકે ઘરની કડડં કડડં, હડડં મુખ નાથ ગ્રજંત હરે,
પરમેશ્વર મોદ ધરી પશુપાળણ, કામપ્રજાળણ નાચ કરે-
જીય કામપ્રજાળણ નાચ કરે.(૨)

હદતાળ મૃદંગ હુહૂકટ, હાકટ ધાક્ટ ધીકટ નાદ ધરં ,
દ્રહદ્રાહ દિદીકટ વીકટ દોક્ટ, ફટ્ટ ફરંગટ ફેર ફરં;
ધધડે નગ ધોમ ધધા કર ધીકટ ઘેંઘટ ઘોર કૃતાલ ઘરે,
પરમેશ્વર મોદ ધરી પશુપાળણ, કામપ્રજાળણ નાચ કરે-
જીય કામપ્રજાળણ નાચ કરે.(૩)

નટ તાંડવરો ભટ દેવ ઘટાં નટ ઊલટ ગૂલટ ધાર અજં,
ચહં થાક દુદૂવટ દૂવટ ખેંખટ, ગેન્ગટ ભૂ કઈલાસ ગ્રજં,
તત તાન ત્રિપુરારિ ત્રેન્કટ ત્રૂક્ટ, ભૂલટ ધૂહર ઠેક ભરે ;
પરમેશ્વર મોદ ધરી પશુપાળણ, કામપ્રજાળણ નાચ કરે-
જીય કામપ્રજાળણ નાચ કરે.(૪)

સહણાઈ છેન્છાંટ અપાર છટા,ચહુથાટ નગારાંય ચોબ રડે,
કરતાલ થપાટ ઝપાટ કટાકટ, ઢોલ ધમાકટ મેર ધડે ;
ઉમયા સંગ નાટ ગણં સર્વેશ્વર, ઈશ્વર થઇતતાં ઉચરે,
પરમેશ્વર મોદ ધરી પશુપાળણ, કામપ્રજાળણ નાચ કરે-
જીય કામપ્રજાળણ નાચ કરે.(૫)

પહરી ગંગધાર ભેંકાર ભુજંગાય,ભાર અઢારાંય વૃક્ષ ભજે,
ગડતાળ અપાર ઊઠે પડઘા,ગઢ સાગર ત્રીણ બ્રહ્માંડ ગ્રજે,
હદભાર પગાંય હિમાચળ હાલત, હાલત નૃત્ય હજાર હરે,
પરમેશ્વર મોદ ધરી પશુપાળણ, કામપ્રજાળણ નાચ કરે-
જીય કામપ્રજાળણ નાચ કરે.(૬)

બહ અંગ પરાં ધર ખાખ અડંબર,ડંબર સૂર નભં દવળા,
ડહકે ડહકં ડહકં ડમરુ બહ, ડૂહક ડૂહક થે બવળા;
હદપાળ કરાળ વિતાળરી હાકલ,પાવ ઉપાડત તાળ પરે,
પરમેશ્વર મોદ ધરી પશુપાળણ, કામપ્રજાળણ નાચ કરે-
જીય કામપ્રજાળણ નાચ કરે.(૭)

બ્રહ્માદિક દેખ સતં ભ્રમના ભર, સુર તેત્રીશાંય પાવ સબે,
ખડડં કર હાસ્ય બ્રહ્માંડ ખડેડત, અંગ ઉમા અરધંગ અબે;
જગ જાવણ આવણ જોર નચાવણ,આવત ‘કાગ’ તણે ઉપરે,
પરમેશ્વર મોદ ધરી પશુપાળણ, કામપ્રજાળણ નાચ કરે-
જીય કામપ્રજાળણ નાચ કરે.(૮)

છપ્પય
કરત નાચ કઈલાસ, પાસ લહિ ભૂત પ્રમેશ્વર
ઓપત નભ આભાસ, ખાસ મધ ભાલ ખયંકર;
વાર કરણ વિશ્વાસ, દાસ કુળ કમળ દિવાકર.
પરમ હિમ ચહું પાસ, વાસ સમશાન વિશંભર;
દડ દડ દડ ડમરું બજે,હાસ્ય કરત ખડ ખડ સુ હર,
“કાગ” કો સંકટ ધહવા કજૂ,ધમ ધમ પદ ભર, ગરલધર!
-દુલા ભાયા કાગ(પૂજ્ય ભગત બાપુ)

Previous Post Next Post